Wednesday, April 06, 2016

મીઠાનો સત્યાગ્રહ આઝાદી તરફ દોરી ગયો, અગરિયાઓની બેડી તૂટી નથી

Gujarat Samachar: Ahmedabad: Wednesday, April 06, 2016.
'આથી હું બ્રિટીશ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડું છું.' એમ આજથી ૮૬ વર્ષ પહેલાં ૬૧ વર્ષીય મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચની પરાકાષ્ટારૃપ નમકનો કાયદો તોડતાં છઠ્ઠી એપ્રિલે કહ્યું હતું. આ ઐતિહાસિક લડત પછી, કંઇ કેટલાય પડાવ બાદ દેશને આઝાદી હાંસલ થઇ હતી. જોકે ગાંધીજીએ જે 'મીઠા'ને લડતનું માધ્યમ બનાવ્યું હતું ને મીઠું પકવતા ગુજરાતના અગરિયાઓ માટે ૬૯ વર્ષ પછીય આઝાદી જોજનો દૂર છે, એમની કાળી મજૂરી પછી પાકતું સફેદ મીઠું આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે એ ખરું પણ કચ્છના નાના રણમાં ૧૦૭ ગામોના ૧૨થી ૧૫ હજાર અગરિયા પરિવારનું જીવન તો ખારું ઉસ, બેસ્વાદ જ રહે છે. ગરીબી, નિરક્ષરતા,વિવિધ પ્રકારની માંદગીઓ, આર્થિક દેવું જેવી બેડીઓમાંથી આ બધા મુક્ત થઇ શકતા નથી.
કચ્છનું નાનું રણ અને રણકાંઠાના ગામોમાં વસતા અને મહદઅંશે ચુંવાળિયા કોળી (વિચરતી અને વિમુક્ત જનજાતિ) પરિવારો અહીં આવીને પરંપરાગત રીતે મીઠું પકવે છે. આમ તો આ વ્યવસાય છસો- સાડા છસો વર્ષથી ચાલે છે પણ અંગ્રેજોએ થોડીક સુવિધાઓ ઉભી કરી, મીઠાની આવકમાંથી પોતાના રાજકાજ, લશ્કર વગેરેનો ખર્ચ કાઢવાનો રસ્તો શોધી કાઢેલો. મોટું ઉત્પાદન કેન્દ્ર હોવાથી 'બડા અગર' શબ્દ પ્રયોજાતો, પછી તેમાંથી અપભ્રંશ થઇ 'વડાગરું' મીઠું બોલચાલમાં આવ્યું તેવી નાની મોટી કથાઓ છે.
આ વિસ્તારની જમીન જબરી ખારાશવાળી છે અને જે પાણી મળે છે (બ્રાઇન) તેમાં ૧૨ થી ૧૮ ડિગ્રીનું ખારાશવાળું પાણી હોય છે. ટૂંકુ ચોમાસુ અને ધોમધખતો તાપ મીઠાના ઉત્પાદન માટેની ઉત્તમ અનુકુળતા છે. અહીં પાકતું ગાંગડાવાળું મીેઠું ઓર્ગેનિક સોલ્ટ છે. આ વિસ્તારમાં ૧૦ થી ૧૨ હજાર પરિવારો વર્ષના આઠથી નવ મહિના રહે છે. મીઠું પકવે છે. અગરિયાઓ ગામમાંથી આવે ત્યારે વેપારીઓ પાસેથી જ ધિરાણ લીધું હોય છે, માથે દેવું હોય છે. મીઠાના ઢગલા સર્જે છે. પણ વેપારી ૨૮ થી ૩૦ પૈસે કિલોના નજીવા ભાવે ખરીદી લે. હિસાબ થાય સરવાળે તો દેવું જ! ઉપરથી વિષમ પરિસ્થિતિમાં જીવવાના કારણે શારીરિક ક્ષમતાઓનો જેવી ચામડીના રોગ, રતાંધળાપણું, કુપોષણ, ટીબી,હાઇ બ્લડપ્રેશર, પગમાં વાઢિયા ને ચીરા, કાનમાં રસી થવી જેવા રોગોનો બોજો લઇ ગામમાં પરત ફરે છે! હવે તો થોડા સાધન- સુરક્ષા વધ્યાં છે એટલે ઠીક નહી તો કોઇ અગરિયાનો અગ્નિ સંસ્કાર થાય ત્યારે એના પગ બળે જ નહીં એવી સ્થિતિ સર્જાતી! એક અંદાજ મુજબ, અહીં કામ કરતા પુરુષોનું સરેરાશ આયુષ્ય ૪૫થી ૫૫ વર્ષનું છે. પરિણામે વિધવાઓનું પ્રમાણ ખાસ્સું ઊંચુ છે. ક્યારેક શિયાળામાં શૂન્ય ડિગ્રી અને ઉનાળામાં ૪૯-૫૦ ડિગ્રીવાળા તાપમાનમાં ખુલ્લા આકાશ વચ્ચે જીવતા પરિવારો માટે સમાજ અને સરકાર સંવેદનશીલ બને તો જ એમના જીવનમાં સહજ સુખનો સુરજ ઉગી શકે તેમ છે. એમના બાળકોને કુપોષણ અને નિરક્ષરતામાંથી આઝાદી મળી શકે તેમ છે.
આવા અગરિયાઓ માટે કાર્યરત સંસ્થા અગરિયા હિતરક્ષક મંચના અગ્રણી હરિણેશ પંડયા કહે છે તેમ પેઢીઓથી મીઠું પકવતા અગરિયાઓ જમીન માલિક નથી તેથી તેમને કોઇ બેન્ક લોન આપતી નથી. સરકાર ધારે તો જમીન માલિક નહીં તો પારંપરિક સીઝનલ યુઝર રાઇટસ આપીને સક્ષમ બનાવી શકે છે. મીઠાના ઉત્પાદનમાં ડીઝલનો વપરાશ- ખર્ચ ૬૦થી ૭૦ ટકા જેટલો છે. ડિઝલના બદલે સોલાર-પંપ માટે સહાય આપે તો અગરિયાઓની નફાકારકતા વધે, પાંચ સાત વર્ષમાં દેવામુક્ત થઇ શકે.
કચ્છનું નાનું રણ સર્વે નં. ઝીરો:
અભયારણ્ય જાહેર કરવાની પ્રક્રિયા થઇ ત્યારે આ વિસ્તારની જનમીનમાં હિત હક્કો ધરાવનારને દાવા રજૂ કરવા કહેવાયેલું. અહીં પેઢીગત રીતે મીઠું પકવતા અગરિયાઓ જે રણમાં રહે છે તેનો તો કોઇ સર્વ નંબર, ગ્રામ પંચાયતની હદ આવતી જ નહોતી. શેનો દાવો કરે? આટલા મોટા વિસ્તારનો કોઇ સર્વે નંબર જ નહોતો. છેવટે મહેસૂલી દફતરે, એરિયલ સર્વે અને બીજી કામગીરી બાદ આ વિસ્તારનો સર્વે નંબર ઝીરો આપ્યો છે. જોગાનુજોગ સ્થિતિ એવી છે કે સર્વે નંબર ઝીરો છે અને અગરિયાઓના જીવનમાં પણ આકરી મહેનત પછી આવક અને આનંદના નામે ઝીરો (શૂન્ય) જ છે.
અગરિયા ઘૂડખરના ખરેખરા સંરક્ષકો:
કાળી મજૂરી કરી ધોળુ મીઠુ પકવતા અગરિયાઓની નોંધ લેવાતી નહોતી પરંતુ અગરિયાઓ સાથે જ રહેતા ઘુડખરના કારણે કચ્છનું નાનું રણ વિશ્વના નકશા પર મૂકાયેલું છે. અગરિયા અને ઘુડખર સહઅસ્તિત્વનો ઉત્તમ નજારો છે. પરિણામે ઘુડખરની વસતિ ક્રમશ: વધીને ૫૦૦૦થી વધુ થઇ છે. કેટલાંક સ્થાપિત હિતોએ મીઠાના ઉત્પાદનથી ઘુડખરને નુકશાન થવાની વાતો કરેલી. ૧૯૭૩ અને પછી ૧૯૭૮માં ઘુડખર અભયારણ્ય અંગે જાહેરનામા બહાર પડયાં. કુલ ૪૯૫૩.૭૦ ચો.કિ.મી. વિસ્તાર છે. અગરિયાઓ વિરૃદ્ધ પ્રચાર થયેલો ત્યારે કેટલાકે કહેલું કે મારા એક હાથમાં રોટલો છે, બીજામાં ઘાસ. ઘુડખર રોટલો ખાઇ જશે તો હું ઘાસ ખાઇને નહીં જીવી શકું. એટલે મને મારો રોટલો આપો, ઘુડખરને તેનું ઘાસ!

1 comment:

Treditional Salt Farmer's Collective of Gujarat, India. said...

કાળી મજૂરી કરી આપાણા માટે ધોળું મીઠું પકવતા આ મીઠાના ખેડૂતો "અગરિયા"ની જીંદગી યાતના અને ઘોર અંધકારથી ભરેલી છે. તેમને મૂઠી ધાન, ધાબળા, અને ધર્માદો કરનારા ઘણા છે. પણ તેના ખારા ઉસ જેવા જીવનમાં ડોકિયું કરી હાથઝાલી યાતનામાંથી ઉગારનારા ઘણા ઓછા છે. ચાલો આજે મીઠા સત્યાગ્રહ દિને અગરિયાને કચ્છના નાનારણમાં મીઠું પકવવાના તેના પેઢી-દર-પેઢીના પરંપરાગત અધિકારો સરકાર માન્ય રાખે તે માટે જ્યાં પણ આપણે કોઈને ઓળખીએ છીએ તેને વાત કરીએ. ચૂંટણીનું રાજકારણ ભૂલી તમામ પક્ષોના ચૂટાયેલા પ્રતિનિધીઓને વિનતી કરીએ કે સરકાર "કચ્છના નાનારણમાં અગરિયાઓના મીઠું પકવવાના સીઝનલ યુઝર-રાઈટ્સ ને વનાધિકારના કાયદા હેઠળ માન્યતા આપે."