Sunday, November 23, 2014

સુરેન્દ્રનગર: 'રણ'માં અગરિયાના બાળકોને ભણાવશે કોણ?' ટ્રાન્સપોર્ટેશન'ની સુવિધા આકરી.

દિવ્ય ભાસ્કર :પાટડી: રવિવાર: તા. ૨૩,નવેમ્બર ૨૦૧૪.
છેલ્લા 3 માસથી અંદાજે 5 હજારથી વધુ અગરિયા પરિવારો રણમાં મીઠુ પકવવા પહોંચી ગયા છે. ત્યારે રણમાં ચાલતી તમામ 15 તંબુ શાળાઓ આ વર્ષે તંત્ર દ્વારા બંધ કરવાનો નિર્ણય કરાતા રણમાં અગરિયા ભૂલકાઓનું ભાવિ અંધકારમાં ધકેલાઇ ગયુ છે. બીજી તરફ આજેય 18મી સદીમાં જીવતા અગરિયાઓ શિક્ષણની સાથે વિકાસ ઝંખી રહ્યા છે એ પણ નરી વાસ્તવીકતા છે.
(ફોટો: રણમાં ચાલતી  તંબુ શાળા)
રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતનો એકપણ બાળક શિક્ષણથી વંચીત ન રહે એ માટે કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. ત્યારે 18મી સદીમાં જીવતા અગરિયા ભૂલકાઓ માટે રણમાં ચાલતી તમામ 15 તંબુ શાળાઓ ચાલુ વર્ષે બંધ કરવાનો તઘલખી નિર્ણય કરાતા ભૂલકાઓનું ભાવિ અંધકારમાં ધકેલાઇ ગયુ છે. ગત વર્ષ સુધી રણના વિવિધ વિસ્તારોમાં 15 જેટલી તંબુ શાળાઓ ચાલતી હતી.પરંતુ રણમાં ચાલતી તમામ 15 જેટલી તંબુ શાળા ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવતા અગરિયા સમુદાયમાં રોષની લાગણી ફેલાઇ છે.
ચાલુ વર્ષે તંત્ર દ્વારા રણમાં ચાલતી તંબુ શાળા બંધ કરી રણમાં મીઠુ પકવતા અગરિયા બાળકોને જુદા જુદા વાહનોમાં જે તે ગામોની શાળાઓમાં ભણતર કરાવવાની તજવીજ હાથ ધરાઇ છે.પરંતુ રણમાં અગરિયાઓના ઝૂંપડા લાંબા લાંબા અંતરે આવેલા હોવાથી રણમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવી આકરી છે. આથી રણમાં મીઠુ પકવતા અગરિયા ભૂલકાઓના શિક્ષણ માટે તંત્ર દ્વારા ખો રમાતી હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.
ટ્રાન્સપોટેશનથી સીઝનલ હોસ્ટેલનો હેતુ પણ  માર્યો જશે
હાલમાં બે સીઝનલ હોસ્ટેલમાંથી ખારાઘોડામાં શરૂ કરાયેલી સીઝનલ હોસ્ટલમાં હાલમાં 20 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પરંતુ સર્વ શિક્ષા અભિયાન  દ્વારા રણમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવશે તો આ ભુલકાઓ પણ સીઝનલ હોસ્ટેલ છોડીને રણમાં પોતાના મા-બાપ પાસે જતા રહેશે. અને તંત્ર દ્વારા સીઝનલ હોસ્ટલનો હેતુ માર્યો જશે. તંત્ર દ્વારા કહેવામાં આવતી ટ્રાન્સપોટેશનની સુવિધા પણ નજીકના સમયમાં ચાલુ થાય તેવા કોઇ એધાણ હાલ વર્તાઇ રહ્યા નથી.
વિજાભાઇ તળશીભાઇ, અગરિયા
ગત વર્ષ સુધી અમારા બાળકો રણની તંબુશાળામાં અભ્યાસ કરતા હતા. પરંતુ રણની તમામ તંબુ શાળા બંધ કરવાનો નિર્ણય લેવાતા અગરિયા ભૂલકાઓ ચાલુ વર્ષે શિક્ષણથી વંચિત રહેવાનો ઘાટ સર્જાયો છે. : વિજાભાઇ તળશીભાઇ, અગરિયા
 ચૂંટણી આવે ત્યારે જ નેતાઓને રણમાં મીઠુ પકવતા અગરિયા યાદ આવે છે. પણ હાલ હવે રણની તંબુ શાળા બંધ કરવાના નિર્ણયથી અગરિયા ભૂલકાઓની હાલત પડ્યા પર પાટુ મારવાના ઘા જેવી કફોડી બની છે. : ચોથાભાઇ , અગરિયા આગેવાન
સીધી વાત/ બી.એન.દવે 
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સુરેન્દ્રનગર
ગામની શાળામાં શિક્ષણ..
રણની તમામ તંબુ શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છ?
-સરકારી પોલીસી મુજબ ચાલુ વર્ષે રણમાં ચાલતી તમામ 15 તંબુ શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
 ગત વર્ષે કેટલા બાળકો તંબુ શાળામાં અભ્યાસ કરતા હતા?
-ગત વર્ષે રણમાં ચાલતી તંબુ શાળામાં ધો. 1થી 8માં અગરિયાના કુલ 425 બાળકો અભ્યાસ કરતા હતા.
 ચાલુ વર્ષે અગરિયા ભૂલકાઓના શિક્ષણનું ભાવિ શું?
-તમામ બાળકોના નામ જે તે ગામની શાળાઓમાં જ ચાલે છે. ચાલુ વર્ષે રણમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપી તમામ બાળકોને વાહનોમાં અભ્યાસ માટે જે તે ગામોમાં લવાશે. જે માટે કુલ 9 સીઝનલ હોસ્ટેલને મંજૂરી અપાઇ છે. જેમાંથી ખારાઘોઢા - ઝીંઝુવાડામાં તો સીઝનલ હોસ્ટેલ ચાલુ પણ છે. ટ્રાન્સપોર્ટની સુવિધા માટે હાલ કુલ 335 અગરિયા બાળકોનો સંપર્ક કરાયો છે. બાળકો શિક્ષણથી વંચિત ન રહે એ માટેના તમામ પ્રયાસો હાથ ધરાયા છે.

No comments: