Monday, May 18, 2015

ગુજરાતમાં ઓર્ગેનિક વડાગરા મીઠાનું ઉત્પાદન ઘટી ગયું આયોડાઇઝનાં નામે મીઠાના પ્રોસેસરોએ ખરીદી ઓછી કરી દેતા વડાગરા મીઠું નજીકના ભવિષ્યમાં ભૂલાઇ જાય તેવી ભીતિ

Gujarat Samachar: Ahmedabad: Monday, 18 May 2015.
એક સમયે રોજબરોજના ખોરાક ઉપરાંત શુકન અને રિવાજમાં વપરાતા વડાગરા મીઠાનું ઉત્પાદન સતત ઘટતું જાય છે. દુનિયામાં પાસાદાર પારદર્શક વડાગરૃં મીઠું કચ્છના નાના રણ અને ખારાઘોડા વિસ્તારમાં અગરિયાઓ પરંપરાગત રીતે ઉત્પાદન કરતા કરતા આવ્યા છે પરંતુ. હાલમાં મીઠાના થતા કુલ ઉત્પાદનમાં આ વડાગરાનો હિસ્સો માત્ર ૨૦ ટકા જેટલો રહયો છે. સોલ્ટ માર્કેટના સુત્રોના જણાવ્યા અનુસાર આયોડિન નમકના નામે થતા મોર્ડન માર્કેટ ફંડાના સામે વળાગરું મીઠું ટકી શકયું નહી આથી તેની માંગ ઘટી રહી છે.
આ મીઠાની ખાસિયત છે કે તે પાસાદાર,વજનદાર અને સાકર જેવું કઠણ હોય છે. તેનો ઉપયોગ સામાજિક રિત રીવાજોમાં પણ કરવામાં આવતો હતો પરંતુ તેને આયોડાઇઝ કરવામાં સરળતા રહેતી ન હોવાથી ઉત્પાદકોએ મોં ફેરવી લીધું છે. જો કે વળાગરા મીઠાની કેટલીક ખાસિયતો જોતા તેમાં ૯૬ ટકા જેટલું સોડિયમ તત્વ હોય છે જે સ્વાસ્થ્યને ઓછું નુકસાન કરે છે. બીજુ કે જમીનમાં કયારા કરીને તેમાં ખારૃં પાણી ભરીને તૈયાર કરવામાં આવતું હોવાથી તે ધરતીને ધાવીને તૈયાર થયેલું મીઠું માનવામાં આવે છે. આ પહેલા પાસાદાર વડાગરા મીઠાનું ઉત્પાદન કરવા તથા તેના ઘેર ઘેર વેચાણ કરવા માટે પણ પ્રયાસો થયા છે પરંતુ તે પણ સફળ થયા નથી. આથી પરંપરાગત રીતે મીઠાના પાટામાં વળાગરૃ મીઠાના ઉત્પાદનમાંથી અગરિયાઓનો રસ પણ ઓછો થતો જાય છે. નેપાળમાં વળાગરા મીઠાની સારી એવી માંગ રહે છે પરંતુ ભૂકંપના કારણે રસ્તાઓ બંધ થઇ જવાથી ડિમાન્ડ ઘટી છે.
ઓર્ગેનિક મીઠાનું ઉત્પાદન ૧૦ લાખ ટનથી ઘટીને ૧.૩ લાખ ટન થયું:
પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૧૪-૧૫ના વર્ષમાં કચ્છના નાના રણમાં ૯.૫ લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થયું છે તેમાં વડાગરા મીઠાનો હિસ્સો ૧.૩ લાખ ટન અંદાજવામાં આવે છે. સોલ્ટના વેપારીઓનું માનવું છે કે પાસાદાર મોટી સાઇઝ ધરાવતું વડાગરૃં મીઠુંએ ગુજરાતના મીઠાની આગવી વિશેષતા છે. પરંતુ આયોડાઇઝના નામે પરેશાની વધી હોવાથી તેની ડિમાંડ ઓછી રહે છે. તેના સ્થાને પોળાવાળું કર્કશ કે ઘેસીયું મીઠું વધારે ચલણમાં છે. તે પ્રમાણમાં ઝીણું અને પાણી પર બાઝતા ક્ષારના પોપડામાંથી તૈયાર કરવામાં આવે છે. બીજું કે આ મીઠું તૈયાર કરવામાં વળાગરા કરતા ઓછી મહેનત પડે છે.
વડાગરા મીઠામાં  NaCl ૯૬ ટકા હોય છે:
મીઠાના અગરમાં કુવો ખોદીને પાણી ઉલેચીને કુદરતી બાષ્પીભવનની પ્રક્રિયાથી મીઠું તૈયાર થતું હોવાથી તે એકદમ ઓર્ગેનિક છે. વડાગરા મીઠામાં  NaCl ૯૬ ટકા હોય છે. જયારે બીજા ૪ ટકામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જરુરી તત્વો હોય છે. જયારે રીફાઇન સોલ્ટમાં NaCl ૯૯ ટકા હોય છે આથી તે હાઇપર ટેન્શન અને બીપીના દર્દીઓ માટે નુકસાનકારક છે. સદીઓ દ્વારા વણઝારાઓની પોઠો મારફતે ઘરે ઘરે વેચાતું મીઠું નેપાળમાં અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત બની ગયું છે. જે અગરિયાઓ આ પરંપરાગત મીઠાની ખેતીને વળગી રહયા તેમને બરકત રહેતી નથી આથી વડાગરૃ નજીકના ભવિષ્યમાં ભૂલાઇ જાય તેવી શકયતા છે.

No comments: