Thursday, December 27, 2012

અગરિયા આવાસો સોંપાયા પહેલાં જ ખંડેર બન્યાં

Bhaskar News, Patdi | Dec 02, 2012
તંત્રની બેદરકારી: મીઠું પકવતા અગરિયાઓનાં ઘરના ઘર માટે એક કરોડના ખર્ચે આવાસો બન્યાં હતાં
રણકાંઠાના સૌથી છેવાડાના માનવી ગણાતા અને વર્ષના આઠ માસ પરિવારજનો સાથે રણમાં રહી રાત-દિવસ મીઠું પકવતા અગરિયાઓ માટે આજથી પાંચેક વર્ષ પહેલા નમક મઝદૂર આવાસ યોજના હેઠળ પાટડી, જૈનાબાદ, માલવણમાં એક કરોડના ખર્ચે બનાવાયેલા અગરિયા આવાસ સોંપાતા પહેલા જ તદ્દન ખંડેર બન્યા હોવાની ચોંકાવનારી માહિ‌તી મળી હતી.
છેવાડાના માનવી તરીકે ઓળખાતા અગરિયા તરફ તંત્ર દ્વારા હંમેશની જેમ ઓરમાયુ વર્તન જ કરાતું હોવાની ચોંકાવનારી હકિકતો સામે આવી છે. દર વર્ષે ઓકટોબરથી મે માસ દરમિયાન આઠ માસ દરમિયાન રણમાં પોતાના પરિવારજનો સાથે ગાત્રો થીજાવતી ઠંડીમાં અને આગ ઓકતી ગરમીમાં મીઠું પકવવાનું કામ કરતા રણકાંઠાના ગામડાના પ હજારથી વધુ અગરિયા પરિવારો સુધી એકપણ સરકારી યોજના પહોંચતી નથી.
આજથી અંદાજે પ-૭ વર્ષ પહેલા નમક મઝદૂર આવાસ યોજના હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પાટડીમાં ૪૪,દેગામમાં ૭૦, જૈનાબાદમાં ૩૩ અગરિયા આવાસો અંદાજે રૂપિયા ૧ કરોડના ખર્ચે બનાવાયા હતા. જેમાં એક અગરિયા આવાસમાં રૂપિયા ૬૮ હજારના ખર્ચે એક રૂમ, રસોડુ તથા સંડાસ-બાથરૂમ અને લાઇટની વ્યવસ્થા પણ કરાઇ હતી. પરંતુ આ અગરિયા આવાસો બનાવાયને આટ આટલા વર્ષો વીતવા છતાં અગરિયાઓને ન સોંપાતા પડયા પડયા ખંડેર બની ગયા છે.
આ અગરિયા આવાસોની દિવાલોમાં મોટી તીરાડો પડી ગઇ છે. બારી બારણા તોડવાની સાથે અસામાજિક તત્વો લાઇટો પણ તોડી ગયા છે. આ અગરિયા આવાસોમાં ઠેરઠેર દારૂની બોટલો અને થેલીઓ નજરે પડે છે. અહીં દારૂ, જુગારની પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે. આ અંગે તંત્ર દ્વારા એક જ લૂલો બચાવ કરાય છે કે, અગરિયાઓ માટે બનાવેલા આવાસો ગામથી દૂર હોવાથી અગરિયાઓ કબજો લેવા તૈયાર થતા નથી.
રંગરોગાન કરાવવા છતાં કોઇ લેવા તૈયાર ન થયું
થોડા સમય અગાઉ સોંપાતા પહેલા ખંડેર બનેલા આ અગરિયા આવાસોને રંગરોગાન કરીને તૈયાર કરાયા હતા. છતાં કોઇ અગરિયા આવાસોમાં આવવા તૈયાર થયા ન હતા. વિધીની વક્રતા તો જૂઓ કે, આ અગરિયા આવાસોની સાથે ઝીંઝુવાડાથી હિ‌જરત કરીને આવેલા લોકો ઝૂંપડુ બાંધીને રહે છે. તેમને અગરિયા આવાસો સોંપાતા નથી.

No comments: